કાગડો અને શિયાળ, Crow and Fox

કાગડો અને શિયાળ

એક કાગડો હતો. બપોરના સમયે તે ભૂખ્યો થયો. ખોરાક શોધવાં તે આમતેમ ઊડાઊડ કરતો હતો. એટલામાં તેનું ધ્યાન ઘેટાં બકરાં ચરાવતા એક ભરવાડ તરફ ગયું. ભરવાડ એક ઝાડ નીચે પોતાનું ભાથું છોડી રોંઢો કરવા બેઠો હતો. કાગડો તેની પાસે જઈ કા કા કરવા લાગ્યો. ભરવાડને તેની દયા આવી અને રોટલાનો ટકડો તેની તરફ ફેંકયો.

કાગડાએ રાજી થતા તે ઝડપી લીધો. દૂર દૂર જઈ એક ઝાડની ઊંચી ડાળે બેઠો ને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો.

એક લુચ્ચા શિયાળે કાગડાના મોંમાં રોટલો જોયો.તે ઝાડ નીચે દોડી આવ્યું શિયાળે કાગડાને કહ્યું, ‘કાગડાભાઈ જરા સમજો તો ખરા. આ વેળા ગાવાની છે ખાવાની નહી. વળી તમારો અવાજ પણ બહુ મધુરો છે!’

કાગડો તો લૂચ્ચા શિયાળની વાત સાંભળી ફુલાઈ ગયો. શિયાળે કાગડાને વધુ ફુલાવતા કહ્યું, ‘આજે તમારાં મધુર ગાન સાંભળવાનું મને ખબૂ મન થયું છે. મારી આ ઈચ્છા તમે પુરી કરો તેવી મારી વિનંતી છે!’

કાગડાભાઈ તો પોતાના વખાણ સાંભળી વધુ ફુલાયા. ખુશ થઈ તેણે ગાવા માટે મોં ખોલ્યું કે તરત જ તેના મોં માંથી રોટલાનો ટકડો નીચે પડી ગયો.

શિયાળ તો તૈયાર જ બેઠું હતું. તેણે રોટલાનો ટુકડાને નીચે પડતાની સાથે જ પોતાના મોમાં ઝીલી લીધો અને મોજથી રોટલો ચાવતાં ચાવતાં ભાગી ગયું. કાગડાભાઈનું મધુર ગાન સાંભળવા એ કાંઈ ઉભું રહ્યું નહિ. કા કા કરતા કાગડાને પોતે છેતરાયો છે એવું છેક મોડે મોડે ભાન થયું. પણ રોટલો ગુમાવ્યાં પછી પાછળથી પસ્તાવાનો શું અર્થ? મોઢામાાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો તે ચાલ્યો જ ગયો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *